હેરિટેજ શિક્ષણનાં ભાગરૂપે નજીવા દરે રાજ્યના વિવિધ સ્થળોએ હેરિટેજ પ્રવાસમાં જોડાવવા રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને આમંત્રણ
ટીમ અતુલ્ય વારસો દ્વારા રાજ્યના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે જાહેરાત કરવામાં આવે છે કે આગામી ૨૫ ડીસેમ્બરથી ફેબ્રુઆરી માસના અંત સુધીમાં વહેલા તે પહેલાનાં ધોરણે કુલ ૩૦ શૈક્ષણિક પ્રવાસો નજીવા દરે આયોજન કરવામાં આવશે. જેનો હેતુ એ છે કે રાજ્યમાં હેરિટેજ શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને નવી શૈક્ષણિક નીતિ મુજબ વિધાર્થીઓ જે તે હેરિટેજ સાઈટ/નગરની રૂબરૂ મુલાકાત લઈ પોતાના રાજ્યના વૈભવી વારસા પ્રત્યે ગર્વ લઈ શકે અને સરળતાથી શિલ્પ, સ્થાપત્ય, નગરરચના વિશે સમજી શકે.
પ્રારંભિક સ્તરે એક દિવસીય પ્રવાસો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે પાટણ-મોઢેરા, અંબાજી, વડનગર, અમદાવાદ હેરિટેજ વોક, લોથલ, ચાંપાનેર – પાવાગઢ, ડાયનાસોર પાર્ક રૈયોલી વગેરે સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવશે અને એ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા દ્વારા સુચન કરવામાં આવે ત્યાં વિશેષ આયોજન પણ કરી શકાશે. જેમાં જે તે સ્થળ મુજબ રૂ. ૧૦૦થી લઈને ૭૦૦ સુધીની ફીસ લેવામાં આવશે* (ઓછામાં ઓછા ૫૦ વિધાર્થીઓની બેચ આવકાર્ય છે). બાકીનો વધારાનો ખર્ચ માટે યોગ્ય કંપની સાથે CSR હેતુસર જોડાણ કરવામાં આવશે.
અતુલ્ય વારસોનાં આ પ્રવાસો શુદ્ધ રીતે શૈક્ષણિક રહેશે જેમાં અમારા પ્રશિક્ષિત ગાઈડ આપની સાથે રહેશે જેઓ ન માત્ર જે તે સ્થળનો ઇતિહાસ-સંસ્કૃતિ વિશે જણાવશે પણ હેરિટેજનું મહત્વ વિધાર્થીઓ સમજી શકે એ માટે વારસાનું શિક્ષણ (કુદરતી અને માનવસર્જિત) આપવામાં આવશે અને પ્રવાસનાં અંતે પ્રશ્નોત્તરી, વિવિધ સ્પર્ધાઓ વડે વિધાર્થીઓનું જોડાણ વધે તેવું આયોજન થશે, ઉપરાંત જે તે વિસ્તારનાં સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે એ હેતુસર આપણી મુસાફરી દરમ્યાન નાના પાયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી સ્થાનિક સાંસ્કૃતિક વિરાસત (Intangible Heritage) ને ઉજાગર કરવાનો પ્રયાસ થશે.
જો આપની શૈક્ષણિક સંસ્થા (સરકારી/ખાનગી શાળા, કોલેજ, યુનિવર્સીટી) અમારા આ કાર્યક્રમનો લાભ લેવા ઈચ્છુક હોય તો અમોને આપની વિગતો [email protected] અથવા તો 9328 312363 મોકલી શકો છો. આપ https://www.atulyavarso.com/ પર જઈને બુકિંગ પણ કરાવી શકો છો.