હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ, છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો… — Suvichar 🧿 — TG.ME

હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ, છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ ! ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી, જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ ! આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ? ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ ! મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે ! આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ ! એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી, ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ ! કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ? આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ ! ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી, ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ? એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ, તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ ! આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો, ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ … એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી ! ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !! હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી ! સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ… રિષભ મહેતા @Suvichar

January 5, 2026 8.7K 5